તમામ દબાણો વચ્ચે ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવર યુકેમાં 4,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, બ્રિટિશ સરકારે આ નોકરીઓ બચાવવા માટે કોઈ આર્થિક મદદ આપવાનો ઇનકાર કર્યો છે.
JLRના બ્રિટનમાં 34,000 કર્મચારીઓ કામ કરે છે. પ્રસ્તાવિત છટણી કુલ યુકે વર્કફોર્સના લગભગ 12% છે. કંપનીનું કહેવું છે કે તેને બદલાતી પરિસ્થિતિઓ અનુસાર અનુકૂલન સાધવાની જરૂર છે.
કંપની પર દબાણનાં 2 મોટા કારણો
ઓછી માગ અને સ્પર્ધા: લક્ઝરી ઓટો સેગમેન્ટની વૈશ્વિક માગ ઘટી છે. અમેરિકી ટેરિફ અને ચીની વાહનોથી વધતી સ્પર્ધાનો સામનો પણ કંપનીને કરવો પડ્યો છે.
2025નો સાયબર હુમલો: વર્ષ 2025માં થયેલાં એક મોટા સાયબર હુમલાને કારણે ઘણા અઠવાડિયા સુધી ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. તેનાથી સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ.
સ્વૈચ્છિક નિવૃત્તિ અને ₹21,700 કરોડની બચત
કંપનીએ 4 સપ્ટેમ્બરે કર્મચારીઓને કહ્યું છે કે તેઓ સ્વૈચ્છિક છટણી કાર્યક્રમ (Voluntary Redundancy Program) માટે તૈયાર રહે. આ કાર્યક્રમ હેઠળ કર્મચારીઓ પોતાની મરજીથી નોકરી છોડી શકે છે. JLRનો લક્ષ્ય બે વર્ષની અંદર ખર્ચમાં 1.7 બિલિયન પાઉન્ડ એટલે કે લગભગ ₹21,700 કરોડનો ઘટાડો કરવાનો છે.