રાજકોટમાં પરિણીતાને ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જેતપુરમાં માવતરે રહેતી પરિણીતાએ રાજકોટમાં રહેતા પતિ, સાસરિયા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતા ચાંદનીબેન દ્વારા પતિ ધ્રુવ ચાંદરાણી, સસરા મનિષભાઈ, સાસુ અલ્પાબેન, દિયર હર્ષ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યું છે. તેમજ સાસરિયાઓ પિતાની ઘરેથી રૂપિયા લાવવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ પતિ કહેતો કે, મારે તારી સાથે મેરેજ કરવા જ નહોતા. મમ્મીથી કામ ન થતું હોવાને કારણે કર્યા છે. આ ફરિયાદનાં આધારે જેતપુર સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
જેતપુર માવતર પાસે રહેતી 24 વર્ષીય ફરિયાદ પરિણીતા ચાંદનીબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પિતા પ્રવિણભાઈ કાંતિભાઈ દત્તા, માતા મનીષાબેન, ભાઈ દીપ સાથે જેતપુરના જૂનાગઢ રોડ, રાજેશ્વરી સોસાયટીમાં રહું છું. મારા પિતા જેતપુર એસ.ટી. બસ સ્ટેશનમાં દુકાન ચલાવી વેપાર ધંધો કરે છે. મેં બી.કોમ. સુધી અભ્યાસ કરેલ છે. મારા પ્રથમ લગ્ન વર્ષ 2021માં જૂનાગઢ ખાતે રહેતા શ્યામ લાખાણી સાથે થયા હતાં. ત્યાં અમારો ઘરસંસાર સારી રીતે ચાલ્યો ન હોવાથી છુટાછેડા લઇ લીધા હતા.