રાજકોટમાં ચકચારી ગુજસીટોકના કેસમાં એડવોકેટ ભગીરથ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં કેટલાક સમયથી રમેશ રાણાભાઇ મકવાણા પોતાના સાગરીતો સાથે મળી ગુનાઓ આચરેલ હોય જેથી તેની સામે ગુજસીટોક અંગેની ફરિયાદ થઇ હતી.
જેમાં મુખ્ય આરોપી રમેશ રાણાભાઇ મકવાણા અને તેના સાગરીતો તરીકે હીરા પમા સાગઠિયા, ભરત દાના મૂછડિયાને દર્શાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ખોટા કુલમુખત્યારનામાઓ ઊભા કરવા, ખંડણી માગવી જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. જેમાં સૂત્રધાર રમેશ રાણા પર 15 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોય. હીરા પમા સામે 3 ગુના અને ભરત દાના મૂછડિયા સામે 6 ગુનાઓ નોંધાયેલા છે જે ગુજસીટોકના કેસમાં લાગુ પડતા હોય તેવા ગંભીર ગુનાઓ છે.
આરોપી ત્રણેય સાથે મળી અનેક લોકોની જમીનોના બોગસ કુલમુખત્યારનામાઓ ઊભા કરેલ છે. અને તેના આધારે બોગસ સાટાખત તથા બોગસ દસ્તાવેજો ઊભા કરેલ છે અને તેનો ખરા સાચા તરીકે ઉપયોગ કરી અનેક લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા છે, તેમજ તેઓ ઉપર આ ઉપરાંત ખૂનની કોશિશ, લૂંટ, મારામારી, ધાકધમકી, જમીન મકાનનો ગેરકાયદેસર કબજો કરવો, રાયોટિંગ, મિલકતને નુકસાન કરવું, પ્રોહિબિશન જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે.