શેખ હસીનાના ભાષણ પછી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ગુરુવારે ભારતને એક નિવેદન જારી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, શેખ હસીનાએ ભારતમાં તેમના રોકાણ દરમિયાન આપેલા નિવેદનો ખોટા અને બનાવટી હતા.
વિદ્યાર્થી આંદોલનના ચહેરા અને હવે માહિતી અને પ્રસારણ મંત્રી નાહિદ ઇસ્લામે પણ આનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જો શેખ હસીના ત્યાંથી રાજકારણ કરવાનો પ્રયાસ કરશે અથવા ત્યાં બેસીને રાજકીય સભાઓને સંબોધશે, તો આ બધા માટે ભારત સરકાર જવાબદાર રહેશે.
બુધવારે રાત્રે શેખ હસીનાએ ફેસબુક પર પોતાના સમર્થકોને સંબોધિત કર્યા. તેમના ભાષણ પહેલા બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. ઢાકામાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન ‘બંગબંધુ’ના ધનમોન્ડી-32 નિવાસસ્થાને વિરોધીઓએ હુમલો કર્યો અને તોડફોડ કરી. ગુરુવારે સવારે શેખ હસીનાના ઘર ‘સુધા સદન’માં પણ આગ લાગી હતી.