વીરપુર શહેરના 75 ટકા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી બન્ને ટાંકી હવે પડુંપડું

વીરપુર ખાતે પાણી પુરવઠા બોર્ડની બે પાણીની ટાંકીઓ જર્જરિત હાલતમાં પહોંચી જતાં સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.

વીરપુરના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં સરકારી હોસ્પિટલની પાછળ આવેલી આ ટાંકીઓ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી આસપાસના રહેણાંક વિસ્તાર માટે જીવલેણ ખતરો ઉભો થયો છે. ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ, 30 થી 35 વર્ષ જૂની આ બન્ને ટાંકીઓમાંથી ગામના અંદાજે 75 ટકા વિસ્તારમાં દૈનિક પીવાના પાણીનો પુરવઠો કરાય છે.

એક તરફ સમગ્ર ગામની પાણી વ્યવસ્થા આ ટાંકીઓ પર નિર્ભર છે, તો બીજી તરફ તેની જર્જરિત સ્થિતિને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ટાંકીઓની આજુબાજુ ગીચ રહેણાંક વિસ્તાર આવેલો છે, નજીકમાં સરકારી હોસ્પિટલ આવેલી હોવાથી જો ધરાશાયી થાય તો આસપાસના મકાનોને નુકસાન પહોંચવાની સાથે નિર્દોષ લોકોના જીવ પર પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

પૂર્વ સરપંચ, પંચાયતે પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરાઇ છતાં પરિણામ નહીં !‎ ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ સરપંચ, ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા બોર્ડને રજૂઆતો કરાઇ હતી, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઇ નથી. પરિણામે, તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત, સ્થાનિક લોકોની માંગ છે કે, પાણી પુરવઠા બોર્ડ આ મુદ્દે કાર્યવાહી કરે. પાણી પુરવઠામાં વિક્ષેપ ન પડે તે માટે સૌપ્રથમ અન્ય યોગ્ય સ્થળે નવી ટાંકીનું નિર્માણ કરાય, ત્યાંથી નિયમિત પાણી પુરવઠો શરૂ થયા બાદ જ હાલની જર્જરિત ટાંકીઓને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *