ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. જેમાં ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો ભરૂચ અને ભાવનગર પર AAP લડશે. જેમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અને ભવાનગર બેઠક પરથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડશે.
સાળંગપુર દર્શન કરી ચૂંટણી પ્રસારના શ્રી ગણેશ કર્યા
ઈન્ડિયા ગઠબંધને ભાવનગર લોકસભાના જાહેર કરેલા ‘આપ’ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યો છું. તેમજ તમામ પક્ષો સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડીશું અને ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવવાની આશા વ્યક્ત કરી હતી. ઉમેશ મકવાણાએ ઇન્ડિયા ગઠબંધનનો પણ આભાર માન્યો હતો.
આ દરમિયાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શને આવ્યા હતા. ત્યારે ઉમેશ મકવાણાએ લોકસભાની ચૂંટણી માટે નીતીન પટેલના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.