રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવેશ મેળવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ દ્વારા પ્રથમ સેક્રેટરીને અને ત્યારબાદ મેયરને રજૂઆત કરી હતી. જોકે શહેરી વિકાસ વિભાગની મંજૂરી ન હોવાનું જણાવી તેમને પ્રવેશ અપાયો નહોતો. આમ છતાં વશરામ સાગઠિયાએ પ્રવેશ કરવાની કોશિશ કરતા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જેને લઈને વશરામ સાગઠિયાએ ‘ભાજપ સરકાર હાય હાય’નાં નારા લગાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આજે 11 વાગ્યે જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં 10 વાગ્યે જ કોંગ્રેસના નગર સેવક વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ કોર્પોરેશન કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેક્રેટરીની સાથે ચર્ચા કરી હતી અને હાઇકોર્ટનો ઓર્ડર બતાવીને જનરલ બોર્ડમાં પ્રવેશની મંજૂરી માંગી હતી. સેક્રેટરીએ આ માટેનો ઇનકાર કરતા તેઓ મેયર પાસે પહોંચ્યા હતા. જ્યાં મેયરે પોતાની ચેમ્બરમાં બેસવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં આવવાને બદલે જનરલ બોર્ડમાં ચાલ્યા જતા જ વશરામ સાગઠિયાએ બોર્ડમાં જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બોર્ડમાં જાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી.