શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રગ્સ તેમજ નશાકારક દ્રવ્યોનું સેવન વધી રહ્યું છે. જેથી પોલીસ પણ એક્ટિવ થઈ છે. નવસારીના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી પોલીસે એક દિવ્યાંગ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દિવ્યાંગની ગાંજો સંતાડવાની મોડસ ઓપરેન્ડી તેમજ ક્યા કારણે તેણે પગ ગુમાવ્યાં અને તે બાદ કેવી રીતે તે નશાના રવાડે ચડ્યો તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વિકલાંગતા માનવી માટે સૌથી કષ્ટદાયક પરિસ્થતિ હોય છે. જેમાં આમ નાગરિક જેવા કાર્યો દિવ્યાંગ વ્યક્તિ સહેલાઈથી કરી શકતા નથી, પરંતુ કેટલાક આવી પરિસ્થિતિને સકારાત્મક પદ્ધતિથી જીવન જીવે છે તો કેટલાક ગુનાના રવાડે ચડી જીવન બરબાદ કરે છે. આ વચ્ચે ખેરગામના 50 વર્ષીય વૃદ્ધ વાસુદેવ જોશી એ પણ દિવ્યાંગતાને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડતા તેને હાલ જેલ જવાનો વારો આવ્યો છે.
નવસારીના આદિવાસી પટ્ટામાં ગાંજાનો વેપલો થતો હોવાની ફરિયાદોને આધારે સતર્ક થયેલી ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં નકલી પગમાં ગાંજાની પડીકી રાખી, ખેરગામની શાળા નજીકમાં નશાનો વેપલો કરતા દિવ્યાંગ આધેડને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. આ આધેડ તેના યુવાન મિત્રને ગાંજો આપવા આવતા પોલીસે 5 હજારથી વધુના ગાંજાનો જથ્થા સાથે બન્ને પકડી પાડ્યા હતા. તેમજ પોલીસે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.