આજકાલ નાના-મોટા તમામ વાહનચાલકોને ઝડપી પહોંચવાની ઉતાવળ હોય છે. જેના કારણે ક્યારેક જીવલેણ અકસ્માતોના ભોગ બનવું પડતું હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત ધનસુરા વડાગામ હાઇવે પર બન્યો હતો. એક બાઈકચાલક પૂરઝડપે પસાર થતા ટ્રેક્ટર સાથે અથડાયો હતો અને નીચે પટકાતા પાછળ આવતી એસ.ટી. બસના ટાયર ફરી વળ્યા હતા. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
ધનસુરા-વડાગામ હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે ભુજથી બાયડ તરફ એક એસ.ટી. બસ જઈ રહી હતી. તેવામાં પાછળ એક બાઇક પર સોનાપુર ગામના અશોક વાઘેલા જઇ રહ્યા હતા. ત્યારે એસ.ટી.ની આગળ થવા માટે ઓવરટેક કરવા જતા સામેથી આવતા એક ટ્રેક્ટર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી બાઈક પર સવાર અશોક વાઘેલા જોરદાર ટક્કરના કારણે નીચે પટકાયા હતા. તેવામાં પાછળ આવતી એસ.ટી. બસના ટાયર બાઈકસવાર પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો.
બાઇકસવાર નીચે પટકાતા લોહીલુહાણ થયો હતો. જેને સારવાર અર્થે ખસેડાતા આજે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પીએમ માટે ધનસુરા સીએચસી ખસેડાયો હતો. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અકસ્માતની ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે કે વાહનચાલક વાહન ઝડપી ચલાવતો હોવાના અને ઓવરટેક કરી વહેલા પહોંચવાની લ્હાયમાં મોતને ભેટ્યો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.