રાજકોટની ભગીની ટાઉનશીપને 5 વર્ષે 28 લાખનું બિલ

રાજકોટનાં રેલનગરમાં આવેલ ભગીની ટાઉનશીપનાં રહેવાસીઓએ આજે મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી અમારી ટાઉનશીપને કોઈ બિલ અપાયું નથી ને હવે અચાનક રૂ. 28 લાખનું વેરા બિલ ફટકારવામાં આવ્યું હતું, જેને ભરવા માટે ફક્ત ચાર જ દિવસનો સમય અપાયો હતો. આ મુદ્દત પુરી થયાના બે દિવસમાં જ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકોને પાણી વિના પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જોકે, આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, નાના પરિવારો રહેતા હોવાથી નળ કનેક્શન ચાલુ કરીશું અને બાકીવેરો ભરવા મુદ્દત આપીશું પણ સ્થાનિકોએ વેરો તો ભરવો પડશે.

ગીતાબેન ભાલીયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ભગીની સોસાયટીમાં મનપા દ્વારા અત્યાર સુધી ક્યારેય કોઈ વેરા બિલ અપાયું નથી અને હવે 5 વર્ષ બાદ અચાનક સીધું રૂ. 28 લાખ બિલ અપાયું છે. ફક્ત એટલું જ નહીં આ બિલ ભરવા માટે માત્ર 4 દિવસની મુદ્દત આપવામાં આવી હતી. જે પૂરી થતા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોય, અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. અમને અપાયેલા વેરામાં બંધ મકાનનો વેરો પણ સામેલ છે. સરકારે પ્રતિ વર્ષ વેરા બિલ આપવું જોઈએ. જેને બદલે 5 વર્ષનું બિલ એકસાથે ફટકારવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ન્યાય કરવામાં આવે તેવી અમારી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *