વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાના લક્ષ્યને નિર્ધારિત મુદતથી 11 વર્ષ પહેલાં જ પૂરું કર્યું છે. દુબઈમાં કોપ-28 (વર્લ્ડ ક્લાઇમેટ સમિટ)માં પીએમ મોદીએ કહ્યું કે હવે ભારતે 2030 સુધી કાર્બન ઉત્સર્જનમાં 45% સુધીનો ઘટાડો તેમજ જૈવ ઇંધણના ઉપયોગમાં 50% સુધી વૃદ્ધિ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
મોદીએ મહત્ત્વાકાંક્ષી ગ્રીન ક્રેડિટ ઇનિશિએટિવ પણ લોન્ચ કર્યું હતું. તે હેઠળ જન-ભાગીદારીથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે મોટા પાયે વૃક્ષારોપણને પ્રોત્સાહન અપાશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત 2028ના કોપ-33ની યજમાની માટે તૈયાર છે. મોદી ઉદઘાટન સત્રને સંબોધિત કરનારા એકમાત્ર અતિથિ હતા.
સત્રના યજમાન યુએઇના સુલતાને અલ જબેર અને યુએન ક્લાઇમેટ ચેન્જના અધ્યક્ષ સાઇમન સ્ટીલે પણ સંબોધન કર્યું હતું.
ભારતમાં 2070 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જન | પીએમ મોદીએ ભરોસો વ્યક્ત કર્યો હતો કે ભારત 2070 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે. કોપ-28 દરમિયાન તેમણે ભારત અને સ્વિડનના સંયુક્ત આયોજનમાં લીડઆઇટી 2.0નું પણ લોન્ચિંગ કર્યું હતું.