ખોરજ-લીંબડીયા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક ડૂબ્યો

ગાંધીનગર નજીક ખોરજ-લીંબડીયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં મિત્રતા અને માનવતાની ભાવના દર્શાવતી અત્યંત કરૂણ ઘટના બની છે. ટ્રાવેલ્સની બસ ધોવા માટે પાણી ભરવા ઉતરેલા મિત્રને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય એક યુવકે કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં ડૂબી રહેલો મિત્ર તો હેમખેમ બહાર નીકળી ગયો હતો પરંતુ તેને બચાવવા પડેલો યુવક પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ જતાં લાપતા બન્યો છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની કલાકોની મથામણ બાદ પણ યુવકનો પત્તો ન લાગતા આખરે પરિવારજનોએ બહિયલના સ્થાનિક તરવૈયાઓની ટીમને બોલાવી શોધખોળ તેજ કરી છે.

બસની સફાઈ કરવા ઉભા રહ્યા હતા
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના મેમ્કો વિસ્તારમાં રહેતા રોહિત અને અર્જુન નામના બે યુવકો ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ બંને મિત્રો આજે ટ્રાવેલ્સ બસ લઈને ચોટીલા તરફ જવા માટે નીકળ્યા હતા. મુસાફરી શરૂ કરતા પહેલાં બસની સફાઈ કરવાના હેતુથી તેઓ ગાંધીનગર નજીક ખોરજ-લીંબડીયા કેનાલ પાસે ઊભા રહ્યા હતા.

મિત્રને બચાવવા યુવક કૂદી પડ્યો
આ દરમિયાન રોહિત નામનો યુવક ડોલ લઈને પાણી ભરવા માટે કેનાલના પગથિયાં ઉતર્યો હતો. જોકે કેનાલની પાળી પર લપસણું હોવાના કારણે અચાનક રોહિતનો પગ લપસી ગયો હતો અને તે સંતુલન ગુમાવી કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પોતાના મિત્રને પાણીમાં ડૂબતો તરફડિયાં મારતો જોઈને સાથે રહેલો બચાવવા માટે અર્જુન ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના કેનાલમાં કૂદી પડ્યો હતો.

રોહિતનો બચાવ થયો, અર્જૂન લાપતા
જોકે ભારે જહેમત બાદ રોહિત તો જેમતેમ કરીને કિનારે સુરક્ષિત બહાર નીકળી ગયો હતો પરંતુ અર્જુન પાણીના ઊંડાણ અને તેજ પ્રવાહમાં ફસાઈ જતાં બહાર નીકળી શક્યો ન હતો અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *