ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે 1 કરોડની છેતરપિંડી

રાજકોટમાં વધુ એક વખત IPOમાં રોકાણના બહાને છેતરપિંડીની ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીને અમદાવાદ તેમના મિત્ર મારફત મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ સાથે સંપર્ક થયો હતો. જેને વેપારીને વિશ્વાસમાં લઇ લાખોની કિંમતના અલગ અલગ બે ટ્રાન્ઝેક્શન કરી બાદમાં IPOમાં રોકાણ કરવા બહાને રૂ.1 કરોડ પડાવી લઇ પરત ન કરતા આખરે તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના આધારે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ મેડાર્ટ કંપનીના ઓનર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીને અમદાવાદ રહેતા મિત્રએ કરાવ્યો પરિચય
ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી હાર્દીકભાઈ કિશોરભાઇ શીયાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.04.08.2026ના રોજ અમદાવાદ રહેતા મારા મિત્ર પાર્થ દોશીએ મને જણાવ્યું હતું કે મારા મિત્ર રાજ પટેલ તમને ફોન કરશે તેઓ શેર બજારમા ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તેઓ મોટા IPOમા રૂપિયા રોકાણ કરાવે છે જેમાં સારૂ વળતર આપે છે. આ પછી બપોરના 3.14 વાગ્યે મારા વોટસએપ ઉપર ફોન આવ્યો હતો.

ફોનમાં રાજકુમાર પટેલએ પોતે સ્વીચ ઇલેકટ્રીક બાઇક કંપનીનો ઓનર છુ કહેતા “મે કહ્યું કે હા મને પાર્થભાઈ દોશીએ તમારો રેફરન્સ આપ્યો છે તમે શેર બજારમા રોકાણ કરાવો છો તેમ પાર્થભાઈએ મને વાત કરી છે મારે પણ શેર બજારમા રૂપિયાનુ રોકાણ કરવું છે, જો સારી કંપનીના IPO હોય તો મારે રોકાણ કરવુ છે” જેથી આ રાજકુમારએ કહ્યું કે હાલમા કોઇ રોકાણ કરવા જેવુ નથી કોઇ સારી કંપનીનો IPO આવશે તો હુ તમને જાણ કરીશ. તમે અમદાવાદ બાજુ નીકળો તો મારી પાસે આવજો આમ અમારે પ્રથમ વખત વાતચીત થઇ હતી.

વિશ્વાસ કેળવવા બે વખત લાખોની લેવડ-દેવડ કરી
ત્યારબાદ મને વિશ્વાસ અપાવવા રાજ પટેલે મારી સાથે એક વખત રૂ.32.50 લાખ અને બીજી વખત રૂ.50 લાખની લેવડ દેવડ થઇ હતી. અને બાદમાં 18 સપ્ટેમ્બર 2026ના બપોરના 1.25 વાગ્યે રાજકુમારનો ફોન આવ્યો જેમાં કહ્યું કે “હમણા મોટી કંપનીનો IPO આવવાનો છે જેમા રૂ.1 કરોડનુ રોકાણ કરવા જેવુ છે તમે મને 2 કલાક પુરતા રૂપિયા આપો જેથી રાજકુમાર પટેલને મે 2.50 વાગ્યે રૂ.1 કરોડ વછરાજ એન્ટરપ્રાઇઝ પેઢીના ICICI બેંક ખાતામાંથી રાજકુમાર પટેલની મેડાર્ટ કંપનીના એકાઉન્ટમા RTGSથી ટ્રાન્સફ૨ કર્યા હતા જે રૂપિયા તેઓને મળી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *