ચિપ બનાવતી દુનિયાની દિગ્ગજ કંપની એનવિડિયાના CEO જેન્સેન હુઆંગની કંપનીમાં વાપસી બાદ સ્પેસએક્સના માલિક એલોન મસ્કે તેમની મુલાકાત લીધી. જાસૂસી અને અફેરના વિવાદને કારણે રાજીનામું આપ્યાના 12 દિવસ બાદ હુઆંગને ફરી કંપનીની કમાન સોંપવામાં આવી છે.
મસ્ક આ મુલાકાત દરમિયાન પોતાના બે બાળકોને પણ સાથે લઈને પહોંચ્યા હતા. તેમણે સમગ્ર વિવાદ દરમિયાન જેન્સેન હુઆંગનું સમર્થન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર મુલાકાતની તસવીરો સામે આવી
મસ્ક અને હુઆંગની આ મુલાકાતની તસવીરો BEP રિસર્ચના સ્થાપક અને એનવિડિયાના જૂના શેરહોલ્ડર બેન પોલાડિયને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો સાથે બંને ટેક દિગ્ગજોની કેટલીક જૂની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે.
પોલાડિયન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનવિડિયા પર સતત નજર રાખે છે. તેમણે પણ સમગ્ર વિવાદ દરમિયાન હુઆંગનો બચાવ કર્યો હતો અને કંપનીના બોર્ડને તેમને ફરી પદ પર બહાલ કરવાની માગ કરી હતી.
મસ્કે કહ્યું- ભૂલ સુધારી લેવામાં આવી છે
સોમવારે જ્યારે એનવિડિયા બોર્ડે જેન્સેન હુઆંગને ફરીથી CEO બનાવવાનો નિર્ણય લીધો, ત્યારે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનું સ્વાગત કર્યું. મસ્કે પોતાની પોસ્ટમાં લખ્યું કે ભૂલ સુધારી લેવામાં આવી છે.
ટ્રમ્પે હુઆંગને ‘નેશનલ ટ્રેઝર’ ગણાવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એનવિડિયા બોર્ડના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. ટ્રમ્પે જેન્સેન હુઆંગને ‘મહાન દેશભક્ત’ અને ‘નેશનલ ટ્રેઝર’ ગણાવ્યા.
ટ્રમ્પે લખ્યું કે એનવિડિયાના બોર્ડે જેન્સેન હુઆંગને CEO પદ પર પરત લાવીને બિલકુલ યોગ્ય નિર્ણય લીધો છે. માત્ર કંપની માટે જ નહીં, પરંતુ અમેરિકન અર્થતંત્રની પ્રગતિ માટે પણ દેશને એનવિડિયામાં જેન્સેનના નેતૃત્વની જરૂર છે.
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકન સરકારને એવું લાગતું નથી કે હુઆંગની વાપસીથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ જોખમ છે. તેમણે જણાવ્યું કે અમેરિકાના એટર્ની જનરલે પુષ્ટિ કરી છે કે સરકાર પાસે હુઆંગ વિરુદ્ધ કોઈપણ ગેરકાયદેસર કામનો કોઈ પુરાવો નથી.