રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહીત 15 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે 14 આરોપીની ધરપકડ કરી એક આરોપીનો જેલમાંથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ અને NDPS જેવા ગંભીર કુલ 50 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 15 આરોપીઓ પૈકી એક આરોપી રાજકોટની કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આતંક મચાવનાર કુખ્યાત ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહીત કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધી 14 શખ્સોને ઝડપી પાડી જેલમાં બંધ આરોપીનો કબ્જો મેળવી તેની ધરપકડ કરી આગળની તપાસ એસીપી પશ્ચિમને સોંપવામાં આવી છે.