રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે સોની બજાર વિસ્તારમાં એક્ટિવા પર જતા કારીગરને લિફ્ટ લેવાના બહાને રોકી છરીની અણીએ રૂ.4 લાખના સોનાના તારની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં ફરિયાદી કારીગરે જ તેના ત્રણ મિત્રો સાથે મળી લૂંટનું કાવતરું રચ્યું હોવાનું સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ.3.90 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના સોની બજાર માંડવી ચોક પાસે જૂઠા દોશીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં કામ કરતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર તાલુકાના હીંગોલા ગામના વતની 19 વર્ષીય સચીન મુલારામ મીણાએ ગત તા.04.11.2026ના રોજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી તેના શેઠની દુકાનેથી રૂ.4 લાખની કિંમતનો સોનાના તારનો જથ્થો લઈ એક્ટિવા પર કોઠારીયા ચોકી પાસે દુકાન ધરાવતા નિર્મલ પરમારને આપવા જતો હતો દરમિયાન રસ્તામાં એક અજાણ્યા હિન્દીભાષી શખ્સે પગમાં ઈજા હોવાનું બહાનું બતાવી લિફ્ટ માંગી હતી અને થોડે આગળ જતા ચાલકને છરી બતાવી સોનાનો તાર લૂંટી ફરાર થઈ ગયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરું હતી.