રાજકોટના મવડી રોડ પર આવેલા નવલનગરમાં રહેતા અને ઢેબર રોડ પર ગુરુકુળ પાસે ‘ગજ્જર મોટર ગેરેજ’ ચલાવતા પ્રિયેશભાઈ ગજ્જર ગઈકાલે પોતાના ઘરે જતા હતા ત્યારે ગોંડલ રોડ પર આવેલા ડી-માર્ટ નજીક પહોંચતા સામેથી આવતા વાહનની તીવ્ર હેડલાઇટના કારણે આંખ અંજાઈ જતાં બાઇક થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પુત્રને ફોન કરતા મોબાઈલ ફોન 108ના EMTએ રિસીવ કરી બનાવ અંગે જાણ કરતા પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
અચાનક બાઈકનું બેલેન્સ ગુમાવતા યુવક રોડ પર ફંગોળાયો હતો
રાજકોટ શહેરના મવડી રોડ પર આવેલા નવલનગરમાં રહેતા અને ઢેબર રોડ પર ગુરુકુળ પાસે ‘ગજ્જર મોટર ગેરેજ’ ચલાવતા 26 વર્ષીય પ્રિયેશ વિપુલભાઈ ગજ્જર રાત્રીના સમયે પોતાનું ગેરેજ બંધ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોંડલ રોડ પર આવેલા ડી-માર્ટ નજીક પહોંચતા સામેથી પસાર થતા કોઈ વાહનની હેડલાઇટનો તેજ પ્રકાશ તેમની આંખોમાં પડતાં તેઓ રસ્તો જોઈ શક્યા ન હતા અને અચાનક તેમનું બાઇક નિયંત્રણ ગુમાવીને રોડની બાજુના થાંભલા સાથે ભટકાયું હતું. આ ભીષણ ટક્કરને કારણે યુવાન રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત યુવકને આસપાસના લોકોએ 108 મારફત હોસ્પિટલ ખસેડ્યો હતો દરમિયાન યુવાનની માતા રાજેશ્રીબેને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો તે ફોન 108ના EMTએ રિસીવ કરીને પરિવારને અકસ્માત અંગેની જાણ કરી હતી જેથી પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલના બિછાને થોડી ક્ષણો માટે ભાનમાં આવેલા પ્રિયેશભાઈએ પોતાના પરિવારને જણાવ્યું હતું કે સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાઈ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.