ગુજરાત રાજ્યમાં કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવા ભાજપના સિનિયર ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન બાદ રાજકીય વિવાદ સામે આવ્યો છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા રાજકોટમાં તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં કોળી સમાજને સ્થાન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, અમારો સમાજ મોટો છે, પરંતુ હાઈકમાન્ડ દ્વારા સૌ સમાજને સાથે રાખીને નિર્ણય લેવામાં આવતો હોય છે. કોઈ એક વ્યક્તિ કે સમાજ તેનો નિર્ણય ન લઈ શકે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સમૂહ લગ્ન સમિતિ અને સમાજના વરિષ્ઠ આગેવાનોએ વિક્રમ સવંત 2083ના સ્નેહમિલનના ભાગરૂપે અમે બધા જ અહીંયા અમારા કોર્પોરેટરો હોય, પૂર્વ કોર્પોરેટરો હોય, સમાજના અગ્રણી હોય, સમૂહ લગ્ન સમિતિના હોય અને કર્મચારી મંડળના હોય અને અમારા સમાજના સંતો મહંતો બધા એક સામાજિક સ્નેહમિલનના પ્રસંગમાં ભાગરૂપે મળ્યા છીએ અને એ સિવાય કોઈ બીજી અહીંયા વાત છે જ નહીં.