જસદણ પાસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી‎પશુઓને કતલખાને ધકેલાતા બચાવાયા

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરતા એક શખ્સને જસદણ પોલીસે કુલ રૂ. 6.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંજયભાઈ ધનાભાઈ મુધવા (રહે. ગોખલાણા, તા. જસદણ) તથા વિરમભાઈ બુટાભાઈ સાનીયા ગઢડીયા ચોકડી ખાતે હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે ટ્રક માં ખીચોખીચ ભેંસો ભરી, ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા વિના જસદણ તરફથી પસાર થનાર છે.

બાતમીના આધારે વોચ ગોઠવતા રાત્રિના આશરે 12:30 વાગ્યે શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે ટ્રક ઉભો રાખ્યો ન હતો. ત્યારબાદ તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરતા પોલીસ કાફલા સાથે ટ્રકનો પીછો કરી જસદણ-વીંછીયા રોડ પર હડમતીયા પાટીયા પાસે ટ્રકને આંતરીને રોકવામાં આવ્યો હતો.

જસદણ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એમ.ડી. વાઘેલા તથા સ્ટાફે ટ્રકની તલાશી લેતા પાછળના ભાગે 9 ભેંસને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક અને ખીચોખીચ બાંધેલી હાલતમાં મળી આવી હતી. ટ્રકમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા ન હતી તેમજ ચાલક પાસે પશુ હેરાફેરી અંગેનું કોઈ પાસ-પરમીટ કે વેટરનરી ઓફિસરનું પ્રમાણપત્ર પણ ન હતું.

પૂછપરછ દરમિયાન આ ભેંસ માણાવદરના મયુર ઉર્ફે મહીલો દેવાભાઈ હાડગરડા પાસેથી ભરીને ભરૂચ લઈ જવામાં આવતી હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે ટ્રક ચાલક વિપુલ પુંજા ભારાઈની અટકાયત કરી, તેની પાસેથી રૂ. 1,80,000 ની કિંમતની 9 ભેંસ રૂ. 5,00,000 ની કિંમતનો ટ્રક નં. GJ-09-AV-4324 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6,85,000 નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *