દિવાળીનાં તહેવારોમાં રાજકોટ ઝગમગી ઉઠશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ દિવાળીના પાવન અવસરે નગરજનો માટે વિશેષ મનોરંજન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5થી 8 નવેમ્બર રેસકોર્સ રીંગ રોડ પર ચાર દિવસીય રંગબેરંગી દિવાળી કાર્નિવલનું અતિ ભવ્ય આયોજન નક્કી કરવામાં આવી રહ્યું છે. નવરાત્રીના બાદ હાલમાં બજારોમાં અને નાગરિકોમાં દિવાળીની ચમક અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ ઉત્સવને વધુ દિવ્ય અને આકર્ષક બનાવવા માટે ટેન્ડર સહિતની તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ જશે
આ 4 દિવસીય મહોત્સવ દરમિયાન બારસ, ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ સળંગ ચાર દિવસ સુધી રેસકોર્સ રિંગરોડને આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે, જેથી આખો વિસ્તાર ઝગમગી ઉઠશે. આ કાર્યક્રમોમાં રંગોળી સ્પર્ધા અને વિશેષ આતશબાજી જેવા અનેક આકર્ષણોનો સમાવેશ કરાયો છે, જેનાથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ જશે. પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 6 નવેમ્બરના રોજ ધનતેરસના પાવન અવસરે સાંજે સાત વાગ્યે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાશે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો આ આતશબાજીના કાર્યક્રમને અનહદ ઉત્સાહથી નિહાળે છે. આકાશમાં રંગબેરંગી રોશનીનો અદભુત અને મનમોહક નજારો સર્જાય તે માટે આ સ્ટેડિયમ ખાતે બારસોથી વધુ આકર્ષક ફટાકડા ફોડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *