ગાંધીનગરમાં એકતા પરેડના 100 આર્મીમેન બીમાર

ગાંધીનગર ખાતે 31 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે આવેલા અર્ધલશ્કરી દળોના જવાનો માટે ડેન્ગ્યુનો રોગચાળો ગંભીર સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-28 અને 29 ખાતે આવેલા નવા સરકારી આવાસોમાં ઉતારો આપવામાં આવેલ BSF (BORDER SECURITY FORCE), CRPF (CENTRAL RESERVE POLICE FORCE) અને ITBP (INDO-TIBETIAN BORDER POLICE)ના જવાનોમાં ડેન્ગ્યુના પ્રકોપે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં 100થી વધુ જવાનો આ વાહકજન્ય રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, તેમાંથી 43 બીમાર જવાનોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા છે.

સારવાર દરમિયાન CRPF જવાન અમલ બર્મનનું કરુણ અવસાન
સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર મેળવી રહેલા CRPFના 29 વર્ષીય જવાન અમલ બર્મનનું અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા સુરક્ષા દળો અને સ્થાનિક તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગત રાત્રે સારવાર દરમિયાન જવાન અમલ બર્મનની તબિયત અચાનક નાજુક બની ગઈ હતી. તેમને તાત્કાલિક જનરલ વોર્ડમાંથી ઇમરજન્સી વિભાગમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હતી, પરંતુ તે પૂર્વે જ તેમનું કરુણ અવસાન થયું હતું.

સવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત ડેન્ગ્યુની ગંભીર અસર અથવા કાર્ડિયાક અરેસ્ટથી થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે વાસ્તવિક કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *