મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રદ કરવાની માંગને લઈને રાહુલ ગાંધી સતત બે દિવસ રસ્તા પર ઉતર્યા. 48 કલાકમાં તેમણે 14 કલાકથી વધુ સમય વિરોધ પ્રદર્શનમાં વિતાવ્યો.
6 ઑક્ટોબરે રાહુલ, પ્રિયંકા અને વિપક્ષી સાંસદોએ આકાશવાણી પરિસરમાં લગભગ 8 કલાક ધરણાં આપ્યાં. આ દરમિયાન રાહુલ ઝાડ નીચે જમીન પર બેસીને ભોજન કરતા નજરે પડ્યા. પોલીસે તેમને બે વખત કસ્ટડીમાં લીધા.
7 ઑક્ટોબરે રાહુલે વિપક્ષી સાંસદો સાથે લંચ કર્યું અને ત્યારબાદ જંતર-મંતર માટે બસમાં રવાના થયા. પોલીસે રસ્તામાં બસ રોકી ત્યારે રાહુલ રસ્તા પર ઊભા થઈ ગયા. ત્યાંથી હટ્યા નહીં ત્યારે પોલીસે તેમને બળજબરીથી ઉઠાવીને લઈ જઈ કસ્ટડીમાં લીધા. લગભગ બે કલાક બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા.
2023માં ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ આ રસ્તા પર તેમનું સૌથી મોટું પ્રદર્શન રહ્યું. વચ્ચે તેઓ નાના પ્રદર્શનોમાં સામેલ થતા રહ્યા છે.
વર્ષ 2026માં રાહુલ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ સક્રિય છે. 2024માં તેમણે માત્ર એક મોટા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જ્યારે 2025માં પણ તેમણે વિપક્ષ સાથે એક માર્ચ કાઢી હતી. જ્યારે આ વર્ષે તેઓ NEET પેપર મુદ્દે પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા વર્તન અને SIRના વિરોધમાં 4 મહિનામાં ચાર મોટા વિરોધ નોંધાવી ચૂક્યા છે અથવા પ્રદર્શનમાં ભાગ લઈ ચૂક્યા છે.