નાઇજીરિયાના દક્ષિણ ભાગમાં સોમવારે 32 લોકોને લઈને જઈ રહેલું સૈન્ય વિમાન ક્રેશ થયું. વિમાનમાં 25 મુસાફરો અને 7 ક્રૂ સભ્યો સવાર હતા. આ દુર્ઘટના ઓન્ડો રાજ્યમાં નદી કિનારે વસેલા ઇગ્બોકોન્ડા શહેરમાં થઈ. દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા કે તેઓ ઘાયલ થયા તેની તાત્કાલિક માહિતી મળી નથી.
નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કિયામોએ જણાવ્યું કે વિમાન એક નિયમિત મિશન પર દેશના આર્થિક કેન્દ્ર લાગોસ જઈ રહ્યું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 9 વાગ્યે વિમાન રડારથી ગાયબ થઈ ગયું. બાદમાં જાણવા મળ્યું કે તે નૌકાદળના મથક નજીક ક્રેશ થયું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિમાન નદી પાસે પડ્યું અને તેનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શી અકિનબુલેજો પિયસે જણાવ્યું કે તેમને જોરદાર અવાજ સંભળાયો, જે તેમને વીજળી પડવા જેવો લાગ્યો. ત્યારબાદ તેમણે વિમાનને ઝાડોની ઉપરથી પસાર થઈને નીચે પડતું જોયું. ઘટનાસ્થળેથી શરીરના કેટલાક અવશેષો, કપડાં અને જૂતાં પણ મળી આવ્યા.