રાજકોટ શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાને તેના જ પૂર્વ શિક્ષકે ગણિતમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ અને નાપાસ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કૃત્ય રાજકોટની સરકારી ‘મધર ટેરેસા સ્કૂલ નંબર 88’ના મેથ્સના શિક્ષક મોહિત ટાંક દ્વારા આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સગીરાની માતાએ લગાવ્યો છે.
દીકરી ગુમસુમ રહેતી હોવાથી માતાએ પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો
રાજકોટના કાલાવડ રોડ પર રહેતી અને જેના પતિ ગેરેજમાં કામ કરે છે, એવી એક મહિલાએ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 14 વર્ષની દીકરી હાલ બારદાનવાલા કન્યા વિદ્યાલયમાં ધોરણ-9માં ભણે છે પરંતુ, વર્ષ 2023થી 2026 દરમિયાન તે ધોરણ 6થી 8નો અભ્યાસ ‘મધર ટેરેસા સ્કૂલ નંબર 88’માં કરતી હતી. ગત 23 સપ્ટેમ્બર, 2026ના રોજ દીકરી ખૂબ જ ગુમસુમ અને ગભરાયેલી જણાતા માતાએ તેને હિંમત આપીને પૂછપરછ કરી હતી ત્યારે દીકરીએ હૈયાફાટ રુદન સાથે પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી.
સગીરાએ માતાને જણાવ્યું કે, ગત 2 જાન્યુઆરી, 2026ના રોજ જ્યારે તે મધર ટેરેસા સ્કૂલમાં ધોરણ-8માં ભણતી હતી ત્યારે મેથ્સનો પિરિયડ લેવા આવતા મોહિત ટાંક સર કહેતા હતા કે, “હું તને મેથ્સમાં સારા માર્કસ આપી પાસ કરાવી દઈશ, તું મને બહુ ગમે છે.” ત્યારબાદ ક્લાસમાં કોઈ ન હોય ત્યારે તેઓ તેને શારીરિક અડપલાં કરતા હતા. સગીરા ના પાડતી તો તેને મેથ્સમાં ફેઈલ કરવાની અને ભણતરમાં આગળ ન વધવા દેવાની ધમકી આપતા હતા, જેનાથી ડરીને તે કોઈને કશું કહી શકતી ન હતી.
બુક ભૂલી ગયાનું બહાનું બનાવી જબરદસ્તી ફ્લેટ પર લઈ ગયો
આ ઘટના 9 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. સવારે 7:15 વાગ્યે સગીરા સ્કૂલે પહોંચી ત્યારે ઓફિસમાં બેઠેલા મોહિત સરે તેને બોલાવીને કહ્યું કે “આપણે ઘરે જવું છે.” સગીરાએ ના પાડીને સીડી ચડવા લાગી ત્યારે શિક્ષકે પાછળ જઈને તેનું બેગ ખેંચી લીધું અને ધમકી આપી કે, “જો કોઈ પૂછે તો કહેવાનું કે હું બુક ભૂલી ગઈ છું એટલે સર ઘરે મૂકવા આવે છે. જો મારી વાત નહીં માને તો મેથ્સમાં ફેઈલ કરી દઈશ.”
ધમકીથી ડરી ગયેલી માસૂમ સગીરાને શિક્ષક પોતાની ફોરવ્હીલ કારમાં બેસાડીને મવડી રોડ સ્વામિનારાયણ ચોક આસપાસ આવેલા પોતાના સૂમસામ ફ્લેટ પર લઈ ગયો હતો. ત્યાં તેને બેડરૂમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ સવારે 8:30 વાગ્યે શિક્ષક તેને સ્કૂલની થોડે દૂર ઉતારી ગયો હતો.