જો તમે તમારા ખિસ્સામાં રોકડ રાખતા નથી અને ફક્ત UPIથી જ ચુકવણી કરો છો, તો આજે 2 ઑક્ટોબરે નહીં કરી શકો. કારણ કે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ આજે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. એટલે કે આજે કોઈ પણ વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારશે નહીં.
દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 15 ઓક્ટોબર 2026થી નવા નિયમો લાગુ થવાના છે. જેમાં પર્સન-ટુ-પર્સન અને 2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરંતુ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકાનો MDR નક્કી કરવામાં આવ્યો છે. જેનો વેપારી એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ત્યારે અમદાવાદ સહિત રાજ્યના તમામ વેપારીઓ MDR ચાર્જથી મુક્તિ આપવાની માંગ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરશે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાશે. ઓટો મોબાઈલ યુનિયન, મોબાઈલ યુનિયન, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ, જ્વેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્જેક્શન નહી સ્વીકારે. એટલું જ નહીં ગાંધી જયંતીના દિવસે જ તમામ વેપારીઓ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી માત્ર રોકડથી વ્યાપાર કરશે. ત્યારે આ વિરોધના દિવસે અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની ભીતિ છે.