રાજકોટનું સદભાવના વૃધ્ધાશ્રમ માત્ર વૃધ્ધ લોકોની દેખરેખ માટે સીમિત નથી રહ્યું પરંતુ વૃક્ષારોપણ, મેડિકલ સ્ટોર, બળદઆશ્રમ બાદ હવે આધુનિક ટેક્નોલોજી સાથે વિશ્વસનીય લેબોરેટરી પણ શરૂ કરવામાં આવી છે. આજે 02 ઓક્ટોબરને શુક્રવારના રોજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા આ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકોને આરોગ્ય ક્ષેત્રે સારી સુવિધા શરૂ કરાવવામાં આવશે. છેલ્લા બે વર્ષથી નો પ્રોફિટ નો લોસ માત્ર પડતર કિંમતે દવા આપવાના સંકલ્પ બાદ હવે નો પ્રોફિટ નો લોસ માત્ર પડતર કિંમતે લોકોને લેબોરેટરીમાંથી રિપોર્ટ કરાવી આપવામાં આવશે. જેમાં ખાનગી લેબોરેટરી કરતા 70 ટકા ઓછી કિંમતે દર્દીઓને નિદાન કરી આપવામાં આવશે.
જર્મન ટેક્નોલોજીની આધુનિક મશીનરીથી સજ્જ લેબ
સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટના સભ્ય ડો. દિનેશ ચોવટીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓને ખુબ જ નજીવા દરે દવાનું વેચાણ કરી અમારા બે મેડિકલ સ્ટોરમાં આ વર્ષે 60થી 65 કરોડ રૂપિયાનું ટર્નઓવર પહોંચ્યું છે, જેને જોતા એક નવો વિચાર આવ્યો હતો અને દર્દીઓને સારી આ યોગ્ય સારવાર નિદાન માટે લેબોરેટરી શરૂ કરવા નક્કી કર્યું હતું. 2 ઓક્ટોબરને શુક્રવારના રોજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયા હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. નાના મવા રોડ પર આ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. જેમાં જર્મન ટેક્નોલોજીની આધુનિક મશીનરી સાથે સચોટ નિદાન ક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા કરી આપવામાં આવશે અને આ સાથે ખાસ હોમ સેમ્પલ કલેક્શન સુવિધા પણ રાખવામાં આવી છે.
જયારે લેબોરેટરીમાં ફેજ બજાવતા MD પેથોલોજીસ્ટ ડો.ઋષિતા માંકડિયાએ જણાવ્યું હતું કે, પેથોલોજી ડિપાર્ટમેન્ટ, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ, એક્સ રે, સુવિધા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે કોઈ ટ્રસ્ટ સંચાલિત લેબ હોય તો ત્યાં યોગ્ય નિદાન ન થાય પરંતુ અહીંયા અમારી લેબમાં યોગ્ય નિદાન માટે જર્મન ટેક્નોલોજીના આધુનિક મશીન અને ક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા દર્દીઓને ચોક્કસ અને વિશ્વસનીય ટેસ્ટ રિપોર્ટ્સ આપવામાં આવશે.