રાજકોટના મહિલા ડોકટરને ડિજિટલ અરેસ્ટ કરી 58 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે, જેમાં આ વખતે સાયબર ગઠિયાઓએ એકલા રહેતા નિવૃત્ત મહિલા ગાયનેક ડોક્ટરને ટાર્ગેટ બનાવી ઇનકમટેક્સ તેમજ આધાર કાર્ડ અને મોબાઇલ નંબર પરથી એકાઉન્ટ ખુલ્યા બાદ ફ્રોડની રકમ જમા થઈ હોવાનું કહી ચાર દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ વૃદ્ધા પાસેથી ₹58.50 લાખ પડાવી લીધા હતા.

જોકે, સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળતા તાત્કાલિક વૃદ્ધાના ઘરે પહોંચી તેમનું કાઉન્સિલિંગ કરી સાયબર માફિયાઓની ચુંગલમાંથી મુક્ત કરાવી વધુ ₹21.50 લાખ ગુમાવતા બચાવ્યા હતા અને સાયબર ફ્રોડ થયું હોવાની માહિતી આપી હતી.

અસલી પોલીસ જ્યારે વૃદ્ધાના ઘરે પહોંચી ત્યારે પોલીસને જોઈ તેઓ ગભરાઈ ગયા હતા. નકલી પોલીસની ધમકીથી ડરેલા વૃદ્ધાને વિશ્વાસ અપાવવા પોલીસે પોતાનું ઓળખ કાર્ડ બતાવી શાંત્વના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, હદ તો ત્યારે થઈ કે સાયબર માફિયાઓએ રાજકોટ પોલીસ સાથે ફોન પર વાત કરી ફરિયાદ થઈ હોવાની તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જોકે, પોલીસ સ્ટેશન રૂબરૂ આવવાનું કહેતા ગઠિયાએ ફોન કાપી નાખ્યો હતો.

નિવૃત્ત મહિલા ગાયનેક ડોક્ટર ચાર દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા: ACP ક્રાઈમ
ACP ક્રાઈમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા કે જેઓ ગાયનેક ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત છે. તેમને છેલ્લા ચાર દિવસથી સાયબર ગઠિયાઓએ પોતાની ઓળખ બહારના રાજ્યની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તરીકે આપી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જેમાં ઇન્કમટેક્સ તેમજ ફ્રોડની રકમ સહિતના કેસમાં સંડોવણી હોવાનું કહી ધમકી આપી માનસિક તણાવમાં મૂકી દીધા હતા અને ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *