રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમિયાન નિર્મળા રોડ પર ICICI બેન્ક સામે આવેલા જાણીતા “દેવ ફાસ્ટ ફૂડ” માં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનના કિચન, સ્ટોરેજ અને ફ્રીજમાં અત્યંત ભયાનક ગંદકી, વાસી ખોરાક તેમજ મરેલા વંદા, જીવાત અને ઉંદરોનો મોટો ઉપદ્રવ જોવા મળતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ જણાતાં તંત્ર દ્વારા આ પેઢીને તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું હતું અને સ્થળ પરથી ₹10,000નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, દેવ ફાસ્ટ ફૂડમાં અનહાઇજેનિક પરિસ્થિતિ વચ્ચે મોટાપાયે વાસી ખોરાક સંગ્રહિત કરવામાં આવ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન 40 કિલો સડેલી અને પડતર ડુંગળી, 45 કિલો તૈયાર ગ્રેવી, મસાલો, ચટણી અને બાફેલા શાકભાજી, 34 કિલો રાઇસ, નૂડલ્સ, મંચૂરિયન તેમજ કાપેલા શાકભાજી અને 13 કિલો પડતર સોસ તથા લોટ મળી આવ્યો હતો. આમ, એક જ સ્થળેથી કુલ 132 થી 134 કિલો જેટલો અખાદ્ય અને સડેલો જથ્થો મળી આવતાં મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ના વાહનમાં ભરીને તેનો સ્થળ પર જ કચડીને નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગની ટીમોએ સર્વેલન્સ ચેકિંગ અંતર્ગત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી 38 પેઢીઓ, રેસ્ટોરન્ટો અને વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં સઘન તપાસ હાથ ધરી હતી