રાજકોટ શહેરમાં જમીનના ભાવ આસમાને પહોંચી જતા ભૂમાફિયાઓએ સરકારી જમીનોમાં અડ્ડો જમાવી કરોડોની કિંમતની સરકારી જમીનમાં દબાણ કરી લીધું છે. જે અંતર્ગત અગાઉ પણ કલેક્ટર તંત્ર દ્વારા દબાણો દૂર કરી કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારે હવે ફરી દબાણકર્તાઓને આખરી નોટિસ ઇસ્યુ કરી સ્વૈચ્છાએ જમીન ખાલી કરવા આદેશ અપાયો છે. જેને લઈને દિવાળી બાદ ફરી કલેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણો દૂર કરવા બૂલડોઝર ફેરવાશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરીની ભાગોળે આવેલ રૈયા, રૈયાધાર, કોઠારિયા સહિતના વિસ્તારોમાં આવેલી સરકારી જમીનો પર સરકારી જમીન પર દબાણ કરી ઝુંપડા, મકાન, દુકાન અને વંડા ખડકી દેવામાં આવ્યા છે. જે તંત્રના ધ્યાન ઉપર આવતા સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, હાલ દિવાળીનાં તહેવારોને લઈને કેટલાક દિવસોથી કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. જોકે, કાયદેસરની કાર્યવાહીનાં ભાગરૂપે દબાણ કરનારાઓને સ્વૈચ્છાએ જમીન ખાલી કરી આપવા આદેશો કરવામાં આવ્યા છે.