રશિયાનું પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ વિમાન ક્રેશ

રશિયાનો પરમાણુ બોમ્બ લઈ જવામાં સક્ષમ Tu-95 લશ્કરી વિમાન મંગળવારે તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું. અકસ્માતમાં 6 ક્રૂ સભ્યોનાં મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થઈ.

રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ વિમાન રાજધાની મોસ્કોથી આશરે 4000 કિમી દૂર આવેલા એક નિર્જન વિસ્તારમાં તૂટી પડ્યું. જમીન સાથે અથડાતાં જ વિમાનની ઈંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગી.

આ વિમાન એક વખત હવામાં ઈંધણ ભર્યા વિના આશરે 10,500 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. સાથે જ, તે આશરે 9,000 કિલોગ્રામ સુધીનાં હથિયારો લઈ જઈ શકે છે.

રશિયન અધિકારીઓએ હજુ સુધી ક્રેશનું ચોક્કસ કારણ જણાવ્યું નથી. જોકે પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટનાનું કારણ વિમાનમાં ઇંધણનો વિસ્ફોટ હોઈ શકે છે.

રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, દુર્ઘટનાના સમયે વિમાનમાં કોઈ પરમાણુ હથિયાર કે દારૂગોળો લોડ કરવામાં આવ્યો ન હતો.

મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મોસ્કો ટાઈમ્સ અનુસાર, આ વિમાન રશિયાના પ્રમુખ લાંબા અંતરના એરફોર્સ બેઝમાં સામેલ યુક્રેનકા એરબેઝ પર તૈનાત હતું. આ એરબેઝથી લગભગ 30 કિલોમીટર ઉત્તર તરફ આ અકસ્માત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *