રાજકોટ AIIMSમાં હાડકાંની ગંભીર ઇજામાં આધુનિક સારવાર

એઇમ્સ રાજકોટ ખાતે ઓર્થોપેડિક વિભાગ દ્વારા અદ્યતન પેલ્વિક તથા એસિટેબ્યુલર સર્જરી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રથમ જટિલ પેલ્વિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 59 વર્ષીય દર્દીની મિનિમલી ઇન્વેસિવ સર્જરી ટેક્નિકથી આધુનિક સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી છે.

પેલ્વિસમાં ઈજા તથા સેકલ ફ્રેકચરનું નિદાન થયું
પેલ્વિક તથા એસિટેબ્યુલર સર્જરી ઓર્થોપેડિક્સ ક્ષેત્રની એક વિશિષ્ટ અને જટિલ સર્જરી છે. આ કેસમાં 59 વર્ષીય પુરુષ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા અને અનેક ઇજાઓ સાથે તેમને એઈમ્સ રાજકોટના ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની સ્થિતિ સ્થિર કર્યા બાદ જરૂરી તબીબી તપાસ અને ઇમેજિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં પેલ્વિસમાં ઈજા તથા સેકલ ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. દર્દીની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓર્થોપેડિક્સ વિભાગના નિષ્ણાંત તબીબોએ આ જટિલ સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો.

મિનિમલી ઇન્વેસિવ સર્જરી (MIS) ટેક્નિકથી કરાઈ
દર્દીની પેલ્વિક ઈજાની સારવાર માટે સેક્રો-ઈલીયાક ફિક્સેશન સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી મિનિમલી ઇન્વેસિવ સર્જરી (MIS) ટેક્નિકથી કરવામાં આવી હતી. જેમાં શરીર પર ખૂબ નાના ચીરા દ્વારા જટિલ સર્જરી કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરી જટિલ અને તકનીકી રીતે પડકારજનક હોય છે તથા તેના માટે નિષ્ણાત તબીબોની કુશળતા અને અનુભવ જરૂરી હોય છે.

તબીબી ટીમના સંકલિત પ્રયાસોથી આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ
આ જટિલ સર્જરી ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડૉ. કુલભૂષણ કંબોજ દ્વારા કરવામાં આવી હતી. સર્જરીમાં ટીમમાં ડૉ.જયેશ જોડાયા હતા અને એનેસ્થેસિયા નિષ્ણાત એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. સુમિત બંસલ તથા તેમની ટીમે એનેસ્થેસિયાની જવાબદારી સંભાળી હતી. સમગ્ર તબીબી ટીમના સંકલિત પ્રયાસોથી આ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. એઈમ્સ રાજકોટ ખાતે આવી વિશિષ્ટ સર્જરી સેવાનો પ્રારંભ ગંભીર હાડકાંની ઇજા ધરાવતા દર્દીઓ માટે અદ્યતન અને નિષ્ણાત સારવાર રાજકોટમાં જ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ખાસ કરીને અકસ્માત જેવી ઘટનાઓમાં પેલ્વિસ અને હીપના સાંધા આસપાસની ગંભીર ઇજાઓમાં સમયસર તપાસ અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *