અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ, સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ

ગોંડલ ડિવિઝન પોલીસે ગત રાત્રે મેગા નાઈટ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વોરા કોટડા આવાસ અને ભોજપરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી. પોલીસે દેશી દારૂ અને કેફી પ્રવાહીના સેવન અંગેના ગુનાઓ પણ નોંધ્યા.

ગોંડલ ડિવિઝનના DySP કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આનો હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાનો છે.

ગોંડલ સિટી બી-ડિવિઝન PI જી.એસ. ગઢવી, ગોંડલ તાલુકા PI યુ.એચ. ડામોર અને સુલતાનપુર PI જે.એ. ખાચર, PSI રાજદીપસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ રાત્રે મેદાનમાં ઉતર્યો હતો.

પોલીસ ટીમોએ ગોંડલ શહેરના ખાડા વિસ્તાર, વોરા કોટડા રોડ પરના આવાસ ક્વાર્ટર અને સરકારી દવાખાના વિસ્તારમાં તપાસ કરી. તાલુકાના ભોજપરા ગામ સહિતના સંવેદનશીલ સ્થળોએ પણ સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.

પોલીસે ખાસ કરીને બુટલેગરોના રહેણાંક મકાનો અને અગાઉ ગંભીર ગુનાઓમાં સામેલ લોકોના ઠેકાણાઓની સઘન તપાસ કરી. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભાગદોડ મચી ગઈ હતી.

આ કોમ્બિંગ દરમિયાન પોલીસે કડક પગલાં લીધા. દેશી દારૂના કબજાના 4 ગુના, કેફી પ્રવાહી પીવાના 3 ગુના, MV એક્ટ (185) હેઠળ 1 ગુનો અને GP એક્ટ (135) હેઠળ 1 ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *