કારખાનેદારે આર્થિક સંકળામણથી કંટાળી જીવન ટૂંકાવ્યું

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સુંદરમ પાર્કમાં રહેતા અને વાવડીમાં ‘ખોડિયાર ઈન્ડસ્ટ્રીઝ’ નામનું કારખાનું ચલાવતા 49 વર્ષીય વિજયભાઈ કથીરિયા શુક્રવારે પોતાના કારખાને હાજર હતા ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે આર્થિક ભીંસમાં આવી આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિજયભાઈને સંતાનમાં બે દીકરીઓ હોવાનું સામે આવ્યું છે.

ત્રીજા માળે કાચ ફિટિંગ કામ કરતો યુવક નીચે પટકાતા મોત
મૂળ રાજસ્થાનની 22 વર્ષીય યુવાન લાલનાથસિંઘ પન્ના ગઈકાલે રાત્રીના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં નોબેલ ઇલેક્ટ્રીકમાં ત્રીજા માળે કાચ ફિટિંગ કામ કરી રહ્યા હતા આ સમયે અચાનક નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આર્થિક ભીંસના કારણે પ્રૌઢે જીવન ટૂંકાવ્યું
શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પ્રૌઢ સુફરઅલી આજે સવારના 9.30 વાગ્યા આસપાસ દશાશ્રીમાળી હોસ્પિટલ પાછળ આવેલ સોનાની દુકાને હતા ત્યારે કોઈ કારણો સર એસિડ પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 11 વાગ્યા આસપાસ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસમોર્ટમમાં મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *