રાજકોટમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈકચાલકનું માથું છુંદાયું

રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં 60 વર્ષના બાઈકચાલક અરૂણભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

આઇસર ટેમ્પાએ પાંચ વાહનોને ટક્કર મારી
ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને વાહનોને અડફેટે લીધા બાદ ટેમ્પાચાલકે આગળ અન્ય બે રિક્ષા અને એક કારને અડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં બાઈકચાલક અરૂણભાઈ પરથી આઇસરનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા.

આઇસર ચાલક નિયંત્રણ ગુમાવી બેઠો હતો: પરેશ વાણિયા
અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી આવતી આઇસરે સીધેસીધી મારી ગાડીને ટક્કર મારી હતી. મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. આઇસર ચાલક વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *