ઉમરગામમાં જાહેરમાં યુવકે ગળે ચાકુ ફેરવ્યું, લોહીનું ખાબોચિયું ભરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામમાં ચકચારી ઘટના સામે આવી છે. પાલિકા વિસ્તારના વોર્ડ નંબર-3માં યશોધામ સિદ્ધિ વિનાયક મંદિર પાછળ, હરીશ કંપની સામે ગોકુલધામ નજીક એક યુવકે જાહેરમાં પોતાના ગળા પર ચાકુ ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ભાઈએ બહેનના લગ્નની ચિંતા હોવાથી આવું કર્યું હોવાનું કહ્યું હતું.

જાહેરમાં ગળા પર ચાકુ ફેરવી ગંભીર ઈજા પહોંચાડી
ગાંધીવાડી અનવરભાઈની ચાલમાં રહેતા 32 વર્ષીય સોનુકુમાર અશોક પ્રસાદ કુશવાહે ગઈકાલે 16 તારીખે અચાનક હાથમાં રહેલા ચાકુ વડે પોતાના ગળાના ભાગે ઈજા પહોંચાડવાનું શરૂ કર્યું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં જોઈ આસપાસના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઘવાયેલી સ્થિતિમાં પણ યુવકે બચાવવા આવેલા લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાને વધુ ઈજા પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.

પરિવારના સભ્ય રમેશ પ્રસાદના જણાવ્યા મુજબ, સોનુકુમાર મૂળ બિહારનો વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી ઉમરગામમાં રહીને કામ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે ભારે માનસિક તણાવમાં રહેતો હોવાનું જણાવાયું છે. બહેનના લગ્ન અને ઘર બનાવવાની ચિંતાને લઈને તે ઉદાસ રહેતો હતો. ઘટનાના દિવસે પણ તે બપોરનું લંચ લીધા વગર ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેણે આ પગલું ભર્યું હતું.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *