રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કુવાડવા નજીક રિક્ષા બંધ પડી જતાં મુશ્કેલીમાં મુકાયેલા મિત્રને સહાય કરવા જઈ રહેલા રાજકોટના ચુનારાવાડ વિસ્તારના 30 વર્ષીય યુવકને બેફામ દોડતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવક પર ડમ્પરનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ચુનારાવાડ શેરી નંબર 7માં રહેતા મહેશભાઈ લક્ષ્મણભાઈ બોળિયા (ઉં.વ. 30) ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ પોતાનું એક્ટિવા લઈને મિત્રો સાથે કુવાડવા જવા નીકળ્યા હતા. કુવાડવા નજીક તેમના એક મિત્રની રિક્ષામાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે બંધ પડી ગઈ હતી, જેથી તેને મદદરૂપ થવા માટે મહેશભાઈ અને અન્ય બે મિત્રો અલગ-અલગ વાહનો પર રવાના થયા હતા. મહેશભાઈ પોતાના એક્ટિવા પર આગળ ચાલી રહ્યા હતા જ્યારે તેમના મિત્રો પાછળ અન્ય વાહન પર આવી રહ્યા હતા.
માલિયાસણ પાસે ડમ્પરનું ટાયર માથા પરથી ફરી વળ્યું
તેઓ જ્યારે માલિયાસણ ગામ નજીક હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર (નંબર: GJ-03-BY-7370) ના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મહેશભાઈ રોડ પર ફંગોળાઈને સીધા ડમ્પરના પૈડા નીચે આવી ગયા હતા. ડમ્પરનું તોતિંગ ટાયર યુવાનના માથાના ભાગ પરથી ફરી વળતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.