કચ્છ-જામનગર સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ, માછીમારો માટે એલર્ટ

આજે સવારથી રાજ્યના 15 તાલુકામાં 7 મિમી સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 16 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ એકંદર વરસાદ 770.16 મિમી (30.32 ઈંચ) છે, જે મોસમના સરેરાશ વરસાદના 84.74% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 110 તાલુકામાં સરેરાશ 3.21 મિમી વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવી તાલુકામાં 7 ઈંચ નોંધાયો છે.

અહીં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધી પડેલા અનરાધાર વરસાદથી શેરીઓમાંથી જોરદાર પાણી વહેતાં થયા હતાં. બીજી તરફ નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. કચ્છના અન્ય તાલુકામાં અબડાસામાં 2.13 ઇંચ, મુન્દ્રામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં કચ્છ ઝોનમાં 8 ટકા વરસાદ વરસ્યો છે.

પ્રદેશવાર જોતા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.46% એટલે કે 1734.16 મિમી (68.27 ઈંચ) વરસાદ થયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 697.53 મિમી (27.46 ઈંચ), સૌરાષ્ટ્રમાં 499.13 મિમી (19.65 ઈંચ), ઉત્તર ગુજરાતમાં 462.86 મિમી (18.22 ઈંચ) અને કચ્છમાં 282.20 મિમી (11.11 ઈંચ) વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હજુપણ 15 ટકા જેટલા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલની સ્થિતિએ દુષ્કાળ જેવો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો માત્ર 10.54 ટકા જ વરસાદ થયો છે. એ સિવાય પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે. આજે છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *