રાજકોટમાં બહેનની છેડતી કરનાર ઓરિસ્સાના યુવકની હત્યા

રાજકોટના સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઈટ પર પાછળના ભાગે હત્યા કરાયેલ હાલતમાં ઓરિસ્સાના યુવકની લાશ મળી આવી હતી. જે કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક દ્વારા આરોપી અજિત અને પિંજુની બહેનની હાથ પકડી છેડતી કરી હતી. જેનો ખાર રાખી આરોપી અજિતે તેના ભાઈ પિંજુ અને પિતરાઈ ભાઈ રાજેશ સાથે મળી દુખીપ્રસાદને ઢીંકા પાટુ તથા પાઇપ વડે માર મારી બાદમાં ફેન્સીંગ તાર વડે ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને બનાવને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.

યુવતીનો હાથ પકડી લીધો હતો
શહેરના રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલા શ્રી બંગલોઝ પાસેની નિર્માણધીન સાઇટ પર મજૂરી કામ કરતા દુઃખીશ્યામ બાગે રવિવારે રાત્રે 9 વાગ્યે રૂમમાં રસોઈ બનાવી રહેલી મૂળ એમપીની યુવતીનો હાથ પકડી લીધો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા તેના ભાઈઓ પીંજુ કેવનભાઈ ભૂરીયા, અજીત કેવનભાઈ ભૂરીયા અને રાજેશ કૈલાસભાઈ ભૂરીયા દોડી આવ્યા હતા. આ સમયે દુઃખીશ્યામે તેમની સાથે માથાકૂટ કરી ઇંટોના ઘા કરવાનું શરૂ કર્યું હતું.

ઝઘડા બાદ દુઃખીશ્યામ જીવ બચાવવા બીજા માળની છત પર ભાગી ગયો હતો. ત્રણેય આરોપીઓએ તેનો પીછો કરી છત પર જ તેને ઘેરી લીધો હતો. રાજેશે પાવડાના હાથા વડે પડખામાં ઘા મારી દુઃખીશ્યામને નીચે પાડી દીધો હતો અને ત્રણેય જણાએ તેને છાતી તથા પેટના ભાગે આડેધડ પાટા માર્યા હતા. ત્યારબાદ અજીત અને રાજેશે તેને પકડી રાખ્યો હતો અને પીંજુએ સેન્ટિંગના લોખંડના તાર વડે ગળાટૂંપો આપી દીધો હતો. ગંભીર ઇજાઓ અને ગૂંગળામણને કારણે દુઃખીશ્યામનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *