બિહારથી માતાને એકલા મૂકીને કામ શોધવા આવેલા 24 વર્ષીય યુવકનું મોત

રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં ગેટ નં.1 પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બિહારથી પોતાની વૃદ્ધ માતાને વતનમાં એકલા મૂકી રોજીરોટી મેળવવાની આશાએ રાજકોટ આવેલા યુવકને ટ્રેક્ટરે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

પોતાના મિત્ર સાથે બાઇક પર કામની શોધમાં નીકળ્યો હતો મેટોડા ખાતે રહેતો અને મૂળ બિહારનો વતની 24 વર્ષીય કંચન મોતીલાલ ચૌધરી ગત તા. 8 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે પોતાના મિત્ર સાથે બાઇક પર કામની શોધમાં નીકળ્યો હતો. દરમિયાન મેટોડા ગેટ નં.1 નજીક ડોલ્ફિન કંપની પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રેક્ટર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે અકસ્માતમાં કંચનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મેટોડા અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સ્થિતિ વધુ નાજુક બનતાં પુનઃ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે જાણ મેટોડા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કંચન 10 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યો હતો અને તે પોતે બે ભાઈઓમાં નાના હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *