ગોંડલ અને કોટડા સાંગાણીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નવતર અભિગમ અપનાવ્યો છે. મંડળ દ્વારા ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ગંગોત્રી સ્કૂલ ખાતેથી ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંડળ દ્વારા ગોંડલ તથા કોટડા સાંગાણી તાલુકાની વિવિધ શાળાઓના સંચાલકો, તાલુકા પ્રાથમિક શિક્ષણ ભવન, બીઆરસી ભવન, તેમજ શિક્ષણવિદોને માટીમાંથી બનાવેલી આ મૂર્તિઓ ભેટ સ્વરૂપે અપાઇ હતી.
આ તકે સમજ અપાઇ હતી કે માટીની આ મૂર્તિઓનું વિસર્જન રોપા વાવવાના કુંડામાં કરીને તેમાં નવા છોડનો ઉછેર કરી શકાશે. જેથી ગણેશ ભક્તિની સાથે પર્યાવરણ બચાવવાનો હેતુ પણ સાર્થક થશે. આ ઉપરાંત મોટા શહેરોમાં ગણપતિ વિસર્જન દરમિયાન જળાશયોમાં ડૂબી જવાના અકસ્માતો અને જાનહાનિ ટાળવા માટે પણ મંડળ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિરેનભાઈ ખૂંટ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાકડીયા, મહામંત્રી જયેશભાઈ રામાણી, કારોબારી સભ્ય હાર્દિકભાઈ ભુવા, પ્રવક્તા જીગ્નેશભાઈ ત્રિવેદી સહિત મંડળના અન્ય સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.