બાંગ્લાદેશના ચટગાંવમાં બુધવારે સેનાના ફાયરિંગ અભ્યાસ દરમિયાન ચીનમાં બનેલી ટાઈપ 59 ટેન્ક ફાટી ગઈ. આ દુર્ઘટનામાં ટેન્કની અંદર હાજર બે સૈનિકોના મોત થયા. એક સૈન્ય અધિકારી ગંભીર રીતે ઘાયલ છે.
ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટ (ISPR) અનુસાર, સૈનિકો ટેન્કમાંથી ફાયરિંગ કરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની.
ઘાયલ અધિકારીને વધુ સારી સારવાર માટે ઢાકાની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) લઈ જવાયા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.
અકસ્માતમાં સામેલ ટેન્ક ચીનમાં બનેલી ટાઇપ-59 છે, જેનો ઉપયોગ બાંગ્લાદેશની સેના કરે છે. ટાઇપ-59 ચીનમાં બનેલી એક જૂની મુખ્ય યુદ્ધ ટેન્ક છે. તેને ચીનની પ્રથમ એવી ટેન્ક પણ માનવામાં આવે છે, જે મોટા પાયે બનાવવામાં આવી હતી.
ચીન ઉપરાંત પાકિસ્તાન, ઈરાન, ઉત્તર કોરિયા જેવા ઘણા દેશોની સેનાઓએ તેનો ઉપયોગ કર્યો છે. તેમાં બાંગ્લાદેશ પણ સામેલ છે.