નેપાળમાં ભયાનક પૂર પછી ભારતે 35 ટન રાહત અને બચાવ સામગ્રીની 8મી ખેપ મોકલી. ભારતીય વાયુસેનાનું વિમાન બુધવારે કાઠમંડુ પહોંચ્યું. આ સાથે ભારત અત્યાર સુધીમાં 130 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી ચૂક્યું છે.
તેમાં તંબુ, ધાબળા, હાઈજીન કીટ, સોલર લેમ્પ, દવાઓ અને બચાવ ઉપકરણોનો સમાવેશ થાય છે. ભારતે 26 ઓગસ્ટે રાહત અભિયાન શરૂ કર્યું હતું.
નેપાળ પોલીસનાં જણાવ્યા અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 1367 મૃતદેહો મળી આવ્યા છે. 102 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. ઓળખ માટે DNA સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ભારત સહિત ઘણા દેશોના ફોરેન્સિક નિષ્ણાતો મદદ કરી રહ્યા છે.
રસુવા જિલ્લાના ચિલિમે હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં નેપાળી અને ભારતીય સેનાની ટીમ સંયુક્ત રીતે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ટીમ અત્યાર સુધી સર્વિસ ટનલની અંદર લગભગ 105 મીટર સુધી પહોંચી ગઈ છે.
પ્રોજેક્ટ સુધી જતા રસ્તા પરથી કાટમાળ હટાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારની બંને બાજુએ અવરજવર માટે રોપ લાઇન લગાવી દેવામાં આવી છે.
પૂર આવ્યું તે જ દિવસે નેપાળી સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે પહેલાં વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને પછી ટનલના મુખમાંથી માટી અને કાટમાળ હટાવીને અંદર ગઈ. અહીંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
રેસ્ક્યુ ઓપરેશનને ઝડપથી આગળ વધારવા માટે, ઘટનાસ્થળે હાજર એક્સકેવેટરની સાથે બોબકેટ એક્સકેવેટરને પણ સતત કાટમાળ હટાવવા અને ખોદકામમાં લગાવવામાં આવ્યું છે.