PM મોદી આજે એક દિવસીય ગુજરાત યાત્રાએ આવશે. વડોદરાની MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યારાબાદ ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત 6000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરાયું છે. જેના પર ચાલતા ચાલતા પીએમ મોદી જેન-ઝી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે.
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ નવસારી પહોંચશે. અહીં નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરી પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે.
વડાપ્રધાનના આગમન પૂર્વે વડોદરા શહેર જાણે રોશનીથી ઝળહળી ઊઠ્યું હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. ફતેગંજ, કારેલીબાગ, VIP રોડ અને ન્યૂ VIP રોડ સહિતના મુખ્ય વિસ્તારોને રંગબેરંગી અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે આ લાઇટિંગને કારણે શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોનું સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે.