ગોંડલમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાનારા ભવ્ય લોકમેળા અને તહેવારોની ઉજવણીને લઈને વહીવટી અને પોલીસ તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. મેળામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા તથા મેળાના આયોજકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સંગ્રામસિંહ હાઈસ્કૂલ ખાતે બેઠક બાદ રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર, પ્રાંત અધિકારી પારસ વંડા, ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળા, ડીવાયએસપી કે.જી. ઝાલા સહિતના અધિકારીઓએ આઇકોનિક લોકમેળાના ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું.
રાઇડ્સની સેફ્ટી, ઇમરજન્સી એન્ટ્રી-એક્ઝિટ, ફાયર સેફ્ટી, એમ્બ્યુલન્સ, પીવાનું પાણી અને શૌચાલય સહિતની વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. તમામ રાઇડ્સનું નિરીક્ષણ પૂર્ણ થયા બાદ સકારાત્મક રિપોર્ટ અને મંજૂરી મળ્યા પછી જ SOP મુજબ રાઇડ્સ શરૂ કરવાની સૂચના અપાઈ હતી.
વાહનો માટે ત્રણ પાર્કિંગ સ્થળ નક્કી મેળા દરમિયાન સેન્ટ્રલ સિનેમાથી રિવરસાઇડ પેલેસ અને સામે શામવાડી સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે અને માત્ર પગપાળા અવરજવર રહેશે. ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે. બહારથી આવતા વાહનો માટે તાલુકા શાળા, ટાઉનહોલ અને શ્યામવાડી પાછળના ત્રણ સ્થળે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.
હાઈવેના પોઈન્ટ પર પોલીસ તૈનાત રહી વાહનચાલકોને માર્ગદર્શન આપશે. મેળા પરિસરમાં પોલીસ ચોકી અને વહીવટી તંત્રનું સહાયતા કેન્દ્ર કાર્યરત રહેશે. મોબાઈલ ચોરી, સ્નેચિંગ કે બાળક ખોવાઈ જવા સહિતની પરિસ્થિતિમાં મદદ મળી રહે તે માટે અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવાશે.