એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના એરક્રાફ્ટના લુક પછી હવે કેબિન ક્રૂ અને ફ્રન્ટલાઇન સ્ટાફનો યુનિફોર્મ બદલી નાખ્યો છે. 1 સપ્ટેમ્બરથી નવો યુનિફોર્મ લાગુ કરવામાં આવ્યો છે.
ટાટા ગ્રુપની એરલાઇને ભારતીય કાપડ પરંપરાઓને આધુનિક અને સમકાલીન વોર્ડરોબમાં સામેલ કરી છે. તેમાં કેળાના રેસામાંથી બનેલા ફેબ્રિકમાંથી કપડાં તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ તેમાં કાંજીવરમ, પટોળા અને ગમોસા ક્રાફ્ટ ડિઝાઇન આપવામાં આવી છે.
આ ટીમોને મળ્યો નવો યુનિફોર્મ
આ નવો લુક માત્ર કેબિન ક્રૂ જેવા કે – એર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સ પૂરતો મર્યાદિત નથી. એરલાઇને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, એવિએશન સિક્યુરિટી ટીમ અને ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે નવો યુનિફોર્મ લાગુ કર્યો છે. તેમાં માત્ર સુવિધા જ નહીં, પરંતુ કપડાંની સુંદર અને આકર્ષક ડિઝાઇનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મહિલાઓ અને પુરુષોનો નવો આઉટફિટ ડિઝાઇન
મહિલા કર્મચારીઓના યુનિફોર્મને કુર્તી સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેની સાથે મોર્ડન જેકેટ, સ્કાર્ફ અને પોકેટ સ્ક્વેર જોડવામાં આવ્યા છે. મહિલાઓના કપડાં અને ગ્રાઉન્ડ સ્ટાફનો યુનિફોર્મ એર ઇન્ડિયા એક્સપ્રેસના ઇન-હાઉસ ડિઝાઇનર પૂજા કૃષ્ણન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
જ્યારે, પુરુષોના કેબિન ક્રૂનો યુનિફોર્મ ‘ટ્રેન્ટ લિમિટેડ’ સાથે મળીને બનાવવામાં આવ્યો છે.
લાલને બદલે ‘એક્સપ્રેસ બ્લુ’ કલર
એર ઇન્ડિયા એક્સપ્રેસે તેની લાંબા સમયથી ચાલી આવતી લાલ રંગની ઓળખ બદલીને હવે ‘એક્સપ્રેસ બ્લુ’ અને ‘એક્સપ્રેસ ઓરેન્જ’ થીમ અપનાવી છે. આ અચાનક થયેલા બદલાવ અને વાદળી રંગના નવા કોમ્બિનેશનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.