શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે ઊજવવામાં આવશે. કાન્હાના 5253મા જન્મોત્સવને ખાસ બનાવવા માટે મથુરા-વૃંદાવનના બજારો સજીને તૈયાર છે. જન્માષ્ટમી પહેલાં લડ્ડુ ગોપાલના પોશાક, મુગટ અને અન્ય શૃંગાર સામગ્રીની ખરીદી માટે બજારોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.
વ્રજમાં તૈયાર થતા કાન્હાના શૃંગારની માગ માત્ર દેશ પૂરતી સીમિત નથી. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની, રશિયા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં પણ અહીં તૈયાર થતા પોશાક અને શૃંગાર સામગ્રી મોકલવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમીની આસપાસ તેનાથી લગભગ 1,500 કરોડ રૂપિયાના વેપારનો અંદાજ છે.
કાન્હાના શૃંગારને તૈયાર કરવામાં વ્રજના લગભગ 3 હજાર હિંદુ-મુસ્લિમ કારીગરો દિવસ-રાત લાગેલા છે. કારીગરો લડ્ડુ ગોપાલના અલગ-અલગ ડિઝાઇન અને આકારના પોશાક, મુગટ અને અન્ય શૃંગાર સામગ્રી તૈયાર કરી રહ્યા છે. તેમની કિંમત 10 રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયા સુધીની છે.