પ્રથમ વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે. ICCએ બુધવારે આ અંગે મંજૂરી આપી દીધી છે. છ ટીમોની આ ટુર્નામેન્ટ 14 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન મુંબઈ અને વડોદરામાં રમાશે.
આ ટુર્નામેન્ટની યજમાની શ્રીલંકાને મળી હતી. ICCએ 30 ઓગસ્ટે શ્રીલંકા પાસેથી યજમાની છીનવી લીધી હતી. ICCએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ત્યાંની સરકારની દખલગીરી છે.
શ્રીલંકા પાસેથી યજમાની છીનવી લીધા બાદ ટુર્નામેન્ટ યોજવા માટે બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ આફ્રિકાએ દાવો કર્યો હતો. ICCએ નિર્ધારિત ધોરણોના આધારે ભારતના પ્રસ્તાવને મંજૂરી આપી.
ICCએ કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ જુલાઈમાં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં જણાવવામાં આવેલા જરૂરી સુધારા કરી રહ્યું છે.
ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા રમશે. આ તમામ ટીમોએ 6 જુલાઈની કટઓફ તારીખે ICC મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ટીમ રેન્કિંગમાં તેમની સ્થિતિના આધારે ક્વોલિફાય કર્યું છે.