રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં 87 હજાર મુસાફરોની ઉડાન

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગત ઓગષ્ટ માસમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 87 હજારને પાર પહોંચી ચૂકી છે. અહીં છેલ્લા એક માસમાં 297 વિમાનમાં 43,184 મુસાફરોનું આગમન અને 43,983નું પ્રસ્થાન થયું છે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી 14 જેટલી ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં આગામી જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થશે તે નક્કી છે.

રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત એરપોર્ટ પર એર ઈન્ડિયાએ ગત 2 જૂન 2026નાં રોજ બંધ કરેલ સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ફલાઈટ ફરી આજે 1 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરતા હવાઈ સેવામાં બે ડેઈલી ફલાઈટનો વધારો થયો છે. જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, નૂતન વર્ષ તહેવારોને ધ્યાને લઈ એર ઈન્ડીયાએ આજથી સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ડેઈલી ફલાઈટ શરૂ કરી છે. જેના કારણે હવાઈ મુસાફરોને દિલ્હી-મુંબઈ આવવા જવા સરળતા થઈ છે.

હાલ રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સ હવાઈ સેવા પુરી પાડે છે. જેમાં એર ઈન્ડિયા ડેઈલી દિલ્હીની 2, મુંબઈની 2 ફલાઈટ જયારે ઈન્ડિગો એરલાઈન્સ દિલ્હીની 2, મુંબઈની 4, નવી મુંબઈની 1, બેંગ્લોરની 1, હૈદરાબાદની 1 અને પુના સપ્તાહમાં 4 દિવસ ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે. હાલના દિવસોમાં ડેઈલી 13થી14 ફલાઈટ આવાગમન થતાં સવારે દિલ્હી-મુંબઈ જઈ રાતે પરત ફરવું સરળ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *