ગુજરાતમાં હાલ એક તરફથી ખાંડના ભાવ બમણા થતા લોકોના જીવનમાં કડવાશ ફેલાઈ છે, ત્યારે રાજ્યના 2 લાખથી વધુ ગરીબ રાશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીમાં ખાંડ ચાખવા નહીં મળે કારણ કે રાજ્યની 17 હજારમાંથી 35% દુકાનધારકો ખાંડ મેળવવા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ ચલણ ભરી શક્યા નથી. જેથી સપ્ટેમ્બરમાં આવતા તહેવારોમાં રાજકોટની 700માંથી 250થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ નહીં મળે. એક દુકાનમાં ખાંડ મળશે અને અન્ય દુકાનમાં ખાંડ નહીં મળે તો ગ્રાહકો વેપારીઓ સાથે ગજગ્રાહ કરશે. જેથી ગુજરાતનું ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના હોદ્દેદારો ગરીબોને ખાંડ વિતરણ માટે આવતીકાલે પુરવઠા નિયામક ગૌરવ પારઘી અને સચિવ શાહિદ મહમદને આવેદન આપી રજૂઆત કરશે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ માસ માટે જ્યારે ખાંડનું વિતરણ કરવાનું હોય છે ત્યારે તેના 15 દિવસ પહેલા પરમીટ આપવી, ચલણ જનરેટ કરવું, પૈસા ભરવા અને ગોડાઉનથી દુકાન સુધી જથ્થો પહોંચતો હોય છે. આ જ રીતે સપ્ટેમ્બર માસ માટે 21થી 25 ઓગસ્ટ દરમિયાન ખાંડ વિતરણ માટે પૈસા ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે ટૂંકી મદદના કારણે ગુજરાત રાજ્યના 35% શોપધારકો ચલણ ભરી ન શક્યા. જે બાદ રાશન વિતરણ માટે ચલણ જનરેટ કરવાની મુદતમાં એક્સટેન્શન આપવામાં આવ્યું અને તે તારીખ 25થી 31 ઓગસ્ટ રાખવામાં આવી પરંતુ તેમાં ખાંડને બાકાત રાખવામાં આવી.
રાજ્ય સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ દ્વારા દાળ, મીઠું, ચણા, તેલ અને ખાંડનો જથ્થો પૂરો પાડતી હોય છે. ખાંડના ભાવ જ્યારે બે ગણાથી વધુ વધી ગયા છે ત્યારે અમે એવું માનીએ છીએ કે સરકારે ખાંડનું રેશનીંગ કરવું જોઈએ. એટલે કે સસ્તા દરે લોકોને ખાંડ આપવી જોઈએ. હાલ અંત્યોદય યોજનાના લાભાર્થીઓને રૂ.15માં તો બીપીએલ લાભાર્થીઓને રૂ.22માં ખાંડ વિતરણ કરવામાં આવે છે.’