રાજકોટના ગોંડલ ચોકડીથી કોઠારીયા મેઇન રોડ પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાલી રહેલી કામગીરી સંદર્ભે વોર્ડ નં. 18ના કોર્પોરેટર ભારતીબેન પરસાણાએ હાઇવે ઓથોરિટીને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે. ખોખળદડી નદીથી ગોંડલ રોડ ચોકડી સુધીનું બ્રિજ સિવાયનું સ્ટ્રક્ચર ફૂટ-ઓવર ટાઇપ (દિવાલવાળું) બનાવવામાં આવી રહ્યું છે, તેના બદલે ફ્લાયઓવર ટાઇપ (પિલરવાળું) ડિઝાઇન કરવા માગ કરી છે. હાલમાં કોઠારીયા ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે અને 2.50 લાખની વસ્તી તેમજ લોઠડા, પીપળાણા અને નારણકા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વાહનોની સતત અવરજવર રહે છે.
ચોમાસામાં પણ અહીં હયાત બ્રિજમાં પાણી ભરાવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. જો આ બ્રિજ દિવાલવાળો બનશે તો ટ્રાફિકની સમસ્યા યથાવત રહેશે. હીરાસર એરપોર્ટથી પીપળીયા સુધી 6-લેન ગ્રીન કોરિડોર પણ બની રહ્યો હોવાથી અહીં હેવી ટ્રેલર અને કન્ટેનર આસાનીથી નીકળી શકે તે માટે 30 મીટર આવક અને 30 મીટર જાવક ધરાવતો પિલરવાળો બ્રિજ બનાવવા માંગ કરાઈ છે.
મટકી ફોડ માટે નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીને આમંત્રણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે 4 સપ્ટેમ્બરે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પ્રથમ વખત સાર્વજનિક મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આયોજનની જાહેરાત બહુ મોડી કરાતાં ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે હજુ સુધી એકપણ ગોવિંદા ગ્રુપની સત્તાવાર એન્ટ્રી આવી નથી. માત્ર સુરતના 2 ગ્રુપ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. મટકી ફોડ માટે કસરતી અને તાલીમબદ્ધ ગોવિંદાઓ જરૂરી હોય છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની જેમ મટકી ફોડ વધુ પ્રચલિત નથી. આથી એન્ટ્રી મેળવવા મનપાએ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોવિંદા ગ્રુપોને આમંત્રિત કરવા પડી રહ્યા છે. બીજી તરફ, ટીમ નક્કી ન હોવા છતાં મનપાના હોદ્દેદારોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને હાજરી આપવા આમંત્રણ પાઠવી દીધું છે, જોકે બંને નેતાઓ તરફથી હજુ સુધી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી.